Friday, 27 April 2018

મામાનું ઘર...

સ્કૂલની પરીક્ષાનું છેલ્લું પેપર આપીને આવતાં; લગભગ તે જ દિવસે મામાનો કાગળ આવી જતો,
“ મોટાબેન ને નાનાબેન બાળકો સાથે આવી ગયા છે. મોટાભાભી ને બાળકો શનિવારે આવી જશે. તમે ક્યારે આવો છો ? વહેલાસર લખજો. સ્ટેશને તમને લેવા ગાડું મોકલશું.’
વાંચીને અમે ચારેય ભાઈ-બહેનો કકળાટ કરી મૂકીએ, ‘ આ બધાં તો પહોંચીયે ગયા..! ચાલ, બા, આજે જ નીકળીએ..!’
અને પછી સાત-આઠ કલાકની ખખડધજ બસની મુસાફરીની તૈયારી શરુ થતી. પતરાની મોટી ટ્રંક, નાસ્તાનો અડધિયો ડબ્બો..પિત્તળનો પેચવાળો પાણીનો લોટો અને ખિસ્સામાં રંગબેરંગી પીપરમીન્ટ...
મામાને ઘેર કંઈ એવી મોટી સાહ્યબી કે એશોઆરામ નહી.
નાનું ઘર...લાઈટ કે પંખા પણ નહી.....પાણીએ કૂવેથી ભરવાનું...આર્થિક રીતેય મામા કઈ એવા માલેતુજાર નહી.
એક નાનું ખેતર ને બે ભેંસો પર બધોય વ્યવહાર. પણ તોય આનંદના કારણોનો પાર નહી...!
સૌથી પહેલો તો ગાડામાં બેસીને વી. આઈ.પી. ની જેમ ગામ વચ્ચેથી પસાર થવાનો આનંદ....
કૂવે પાણી ભરવા જવાનો આનંદ....
મામી અને માસીના હાથની હેતભરી વાનગીઓ ખાવાનો આનંદ....
સાથે મળીને કામ કરવાનો આનંદ.....
એકબીજાના કપડાં પહેરી રામજી મંદિર જવાનો આનંદ....
ફળિયામાં આવેલા લીમડાના છાંયડા નીચે ઝોળવાળા ખાટલામા પણ પરીઓના સપનાવાળી મીઠી ઊંઘનો આનંદ....
બપોરે આયોજન વિનાના સંસ્કૃતિક કાર્યક્રમમાં પર્ફોર્મ કરી બધાની પ્રશંસા ઝીલવાનો આનંદ.....
ઝીણા ઝીણા ઝઘડા પછી રિસામણા ને મનામણાના ઓઠા હેઠળ સહુના વાત્સલ્ય ધોધમાં ભીંજાવાનો આનંદ…..
બસ, આનંદ જ આનંદ......!!
દર વરસે વેકેશનની એ એક મહિનાની રેસિડેન્શીયલ તાલીમે ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનાના જે ઊંડા મૂળ રોપ્યા છે તેણે જિંદગીને જોવાના શત શત દ્રષ્ટિકોણ ખોલી આપ્યા છે.
એમાય પાછા ફરીએ ત્યારે મામી હમેંશા સહુને જોડ કપડાં આપતાં.
એ પળોનું પોત તો એવું મજબૂત કે આટલા દાયકાઓ પછી હજુ સુધી ફાટ્યુંય નથી ને ફીટયુંય નથી.
બદલાતા સમય સાથે પ્રગતિએ હરણફાળ ભરી છે.
સુખસુવિધાઓનો વ્યાપ વિસ્તાર્યો છે.
મામાઓને ઘેર હવે ગાડું નહી, ગાડી(ઓ) છે.
ત્રણ બેડરૂમના મોટા ફ્લેટની આબાદી છે,
જેમાં એક રૂમ ખાસ મહેમાનો માટે છે.
અને વળી રાંધવાવાળા મહારાજ પણ છે.
નાના ખેતરને બદલે મોટી ફેક્ટરી છે.
બધું જ છે.....બધું જ....
નથી તો બસ એક મામાનો કાગળ - ‘બહેન, તું બાળકોને લઈને ક્યારે આવે છે???
Dedicated to all mama

Tuesday, 24 April 2018

ટ્યુલિપ મેનિયા અને બિટકોઈન વચ્ચે શો સંબંધ છે?

50 વિશે ગુજરાતીઓએ સૌથી વધુ સાંભળ્યું હશે અને જાણ્યું હશે. નવું રોકાણ કરવાની વાત આવે તેમાં ગુજરાતીઓ હંમેશા આગળ હોય. એકના ચાર કેમ કરવા તે ગુજરાતીઓ જાણે એવી છાપ બહાર પડેલી છે. પણ કંઈ બધા જ ગુજરાતીઓ માત્ર રોકાણ કરવાનું વિચાર્યા નથી કરતા હોતાં. ગુજરાતીઓ બીજા બધાં કામો પણ કરે છે. બિટકોઇનમાં રોકાણ કરનારા બ્રોકરો અને વેપારીઓ પર સૂરતમાં દરોડા પડ્યાં હતાં. વચ્ચે બિટકોઈનનો ભાવ આસમાને પહોંચ્યો હતો. તે પછી તેમાં કડાકો પણ બોલ્યો. ફરી ભાવ વધી રહ્યાં છે. ફરી પાછા ઘટશે પણ ખરાં. દરમિયાન સરકારે પણ ખુલાસો કર્યો હતો કે બિટકોઇનમાં રોકાણ એ ગેરકાયદે છે. તેનાથી રોકાણકારોને કોઈ ફરક પડતો નથી. રોકાણ ગેરકાયદે હોય, પણ એકના હજાર થતાં હોય તો રિસ્ક લેવાય તેવું વિચારનારા હોય છે.બિટકોઈનનો મામલો માત્ર ગુજરાત કે ગુજરાતીઓ પૂરતો મર્યાદિત નથી. બિટકોઈને દુનિયાભરમાં ધમાલ મચાવી છે. બિટકોઈન શું છે તે અહીં સમજાવવું નથી. પણ બિટકોઈનને કારણે દુનિયાભરમાં ચર્ચા પણ છે અને ચિંતા પણ છે. કોઈ પણ ઘડીએ બિટકોઈનનું કોકડું ગૂચવાશે અને બજાર તૂટી પડશે એમ જાણકારો કહી રહ્યા છે. રોકાણ કરનારા રિસ્ક નથી જાણતાં હોતાં એવું નથી હોતું. તેમની વિચારવાની રીત જુદી હોય છે. દરેક રોકાણકારને એમ લાગે છે કે પોતે સ્માર્ટ છે અને બધું સમજે છે. બીજા નહીં સમજે. તેથી આપણે પહેલાં રોકાણ કરી લેવાનું અને બીજા સમજનારા ન આવે ત્યારે નીકળી જવાનું. લાઈનમાં પાછળ ઊભો હોય તે ગુમાવે તેવો સાદો નિયમ આમાં છે.
બિટકોઇન વિશે અર્થશાસ્ત્રીઓ અને ફાયનાન્સના જાણકાર પત્રકારો લખે ત્યારે એક વાત લખતા હોય છે કે આ ટ્યુલિપ મેનિયા જેવું છે. આ ટ્યુલિપ મેનિયા શું છે તે રસપ્રદ છે. તેની પાછળની સ્ટોરી ઈન્ટરેસ્ટિંગ છે. દુનિયામાં ઘણીવાર અમુક વાત એવી રીતે ચાલ્યાં કરે છે તેને ગમે તેટલીવાર રદિયો આપવામાં આવે તો પણ રદ થતી નથી. ટ્યુલિપ મેનિયા એવી જ એક કથા છે. ઘણા સંશોધકો ઘણી વાર કહી ચૂક્યાં છે કે ટ્યુલિપ મેનિયા વિશે જે વાતો ચાલે છે તેમાં વાસ્તવિકતા ઓછી અને કલ્પના વધારે છે.
પદ્માવત ફિલ્મનો વિરોધ થયો ત્યારે પણ અનેક લોકોએ કહ્યું કે પદ્માવતીનું પાત્ર કાલ્પનિક છે. તે વાસ્તવિક નથી છતાં કોઈએ તે વાત કાને ધરી નહોતી. તે બધી વાતો જવા દઈએ, અહીં ટ્યુલિપ મેનિયા એટલે શું તે જાણીએ.
ટ્યુલિપ મેનિયા નેધરલેન્ડની કથા છે. લોકકથાની જેમ તે સતત ગવાતી રહે છે. ખાસ કરીને કોઈ એક બાબત પાછળ દુનિયા ગાંડી થાય અને બબલ ઊભો થયો છે ત્યારે આ મેનિયાની યાદ અપાવીને જણાવવામાં આવે કે જાળવજો – આમા ટ્યુલિપ મેનિયા જેવું થશે. ટ્યુલિપ એક ફૂલનું નામ છે. ખૂબસુરત ફૂલ. બહુ કાળજીપૂર્વક ઉગાડવું પડે. ઠેર ઠેર ઊગે નહીં. નેધરલેન્ડના પશ્ચિમમાં હોલેન્ડ નામનો વિસ્તાર છે. ત્રણ બાજુ દરિયો. યુરોપનો સામ્રાજ્યવાદ ફેલાયો તેમાં હોલેન્ડમાંથી ગોરાઓ બહુ પ્રથમથી નીકળ્યાં હતાં. આપણે ત્યાં તેને વલંદા તરીકે ઓળખતાં હતાં. હોલેન્ડનું અપભ્રંશ વલંદા થયું હતું.સામ્રાજ્યવાદને કારણે આફ્રિકા અને એશિયાના દેશોને લૂંટીને અઢળક ધનસંપત્તિ યુરોપ ભેગી થતી હતી. 1600ની શરૂઆતમાં હોલેન્ડમાં પણ એ જ સ્થિતિ હતી. અઢળક ધન ઊભરાઈ રહ્યું હતું. ધનિક લોકો જાતજાતના શોખ પાછળ પૈસા ખર્ચતા હતા. તે જ સમયગાળામાં ઓટ્ટોમોન સામ્રાજ્યમાંથી ટ્યુલિપનો છોડ લાવીને હોલેન્ડમાં વાવવામાં આવ્યો હતો. આ નવીનતા ધનિક લોકોને પસંદ પડી ગઈ હતી. ટ્યુલિપનો છોડ ખરીદવો, ખાસ કરીને અમુક સ્ટ્રાઇપની ડિઝાઇન થતી હોય તેવા ટ્યુલિપ ખરીદવા તે સ્ટેટસ સિમ્બોલ થઈ ગયું હતું.
જમીનદાર પોતાના ઘરે હાથી ઘોડા રાખે તેના જેવું. તેમાં પણ અશ્વોની ઉચ્ચ ઓલાદ શોધીને ખરીદવાની હોડ ચાલે. જાતવાન ઘોડીના મોં માગ્યા દામ મળે. એવી જ રીતે સારી ક્વોલિટીના ટ્યુલિપના સારા દામ મળતાં હતાં. લોકો ખેડૂતો પાસેથી ટ્યુલિપ ખરીદી લાવે અને ધનવાનોને વેચે. કોઈક કારણસર આ ચાલ એટલો ચાલ્યો કે અનેક લોકો ટ્યુલિપના વેપારી બની ગયાં હતાં. પછી તો સારું ટ્યુલિપ શોધી લાવનારા કમાણી પણ કરવા લાગ્યાં. તેને પારખનારા ફરી ફરીને ટ્યુલિપ એકઠાં કરી લાવે અને ઊંચા દામે વેચે. જેને પારખતા ન આવડતું હોય તે સસ્તામાં પોતાના માલ આપી દે. જોકે તેણે ખેડૂત પાસેથી ખરીદી કરી હોય એટલે નફો થયો જ હોય.
આમ એક આખું બિઝનેસનું ચક્કર ચાલ્યું. લોકો બીજા ધંધા પડતા મૂકીને સારા સારા ટ્યુલિપ શોધવા, ખરીદવા અને તેને પારખીને શોખીન લોકોને વેચવાનો ધંધો કરવા લાગ્યાં. તેમાં નફો પણ થતો હતો. એક વાર કોઈ વસ્તુમાં નફો થાય છે એમ ખબર પડે એટલે લોકો તે ખરીદવા લાગે. હવે માત્ર વપરાશ કરનારા નહીં, પણ વચેટિયા વધી પડે. લોકો દેખાવ એવો કરે કે પોતાના માટે ટ્યુલિપ ખરીદવા છે. મૂળ ઇરાદો ટ્યુલિપ ખરીદીને બીજાને ઊંચા ભાવે વેચી દેવાનો હોય.બીજો ખરીદનારો મળી પણ જાય એટલે આ ચક્ર ચાલ્યાં જ કરે. 1600ની સાલમાં શરૂઆત થયેલો આ ચાલ ધીમે ધીમે વધવા જ લાગ્યો. લોકો ટ્યુલિપના ચક્કરમાં જ પડ્યાં. સરખામણી કરવા આપણે કહી શકીએ કે આપણે ત્યાંઆપણે ત્યાં લોકો અમુક આકારના રૂદ્રાક્ષ શોધતો હોય છે. ડાબી સૂંઢના ગણપતિ પણ લોકો શોધતા હોય છે, જેથી ઊંચી કીંમતે વેચી શકાય.
આવા પ્રકારનો અલભ્ય ગણાતી વસ્તુનો વેપાર માપસર થાય અથવા તો પરંપરાગત રીતે જે વેપાર કરતાં હોય તે જ કરે ત્યાં સુધી વાંધો હોતો નથી. ટ્યુલિપમાં બધા જ લોકો વેપારી બનવા લાગ્યાં હતાં. બિટકોઈનના ધંધામાં પણ એવું થવા લાગ્યું છે. બિટકોઇનમાં રોકાણ કરનારો વળી પાછો વેચનારો પણ બને. બીજાને બિટકોઈન અપાવવાનું કામ કરે. આ રીતે એક ચેઇન ચાલે છે. ચેઇન માર્કેટિંગમાં ચેઇન તૂટે ત્યારે છેલ્લે આવેલા બરબાદ થાય તે સૌ જાણે છે.
તેથી જ બિટકોઈન માટે ટ્યુલિપ મેનિયાનો દાખલો વિદેશમાં અપાઈ રહ્યો છે. 1636માં એવું થયું કે ટ્યુલિપના ભાવો રાતોરાત તૂટ્યાં. તેની પાછળ ઘણા પરિબળો હતાં, પણ ટૂંકમાં ભાવો તૂટ્યાં અને લોકો હવે ખરીદવાના બદલે ટ્યુલિપ વેચવા લાગ્યા. જલદી જલદી ટ્યુલિપ કાઢી નાખવા લાગ્યા. તેના કારણે ભાવો વધારે ને વધારે તૂટવા લાગ્યાં.
ઇન્ટરનેટ નવું નવું હતું ત્યારે વેબસાઇટ હોવી એ સિદ્ધિ ગણાતી હતી. આજે સ્ટુડન્ટ્સ લેસનમાં વેબસાઇટ્સ બનાવે છે. પણ વેબસાઇટ કોઈ અદભૂત દુનિયા હોય તેમ તેનું માર્કેટિંગ થયું હતું. સૌ કોઈ વેબસાઇટ્સ બનાવતા હતાં અને તેની પાછળ અઢળક નાણાં રોકતા હતાં. પછી ખ્યાલ આવ્યો કે આમાં રેવેન્યૂ મોડેલ નથી. તેથી આઇટીનો બબલ બર્સ્ટ થયો હતો. ફુગ્ગો ફૂટી ગયો. રાતોરાત કંપનીઓ બરબાદ થઈ ગઈ. એ જ રીતે ટ્યુલિપમાં મોટું મોટું રોકાણ કરનારા બરબાદ થયા એવી કથા છે.
હવે સૌથી રસપ્રદ વાત આવે છે. ટ્યુલિપ મેનિયા વખતે હોલેન્ડમાં બદ્ધેબદ્ધાં ટ્યુલિપનો જ વેપાર કરતા હતા. એક જ ફૂલના સાંજ સુધીમાં પાંચ પાંચ સોદા થતા હતા. એક એક ટ્યુલિપ ફૂલનો ભાવ એક ઇમારત જેટલે પહોંચ્યો હતો. આખરે અનેક લોકો બરબાદ થયાં. તે જમાનામાં હજારોનું નુકસાન થયું. અનેક લોકોએ દરિયાની ખાડીમાં પડતું મૂકીને આત્મહત્યા કરી અને નેધરલેન્ડ સરકારે કાયદો કરીને ટ્યુલિપનો વેપાર અટકાવવો પડ્યો.આવી કથા છે ટ્યુલિપની એમ કહીને બિટકોઈન જેવી અજાણી બાબતોમાં રોકાણ કરનારાને સાધવ કરાતા હોય છે. વાત આમ સાચી છે કે ટ્યુલિપના ભાવો ઘણાં વધ્યાં હતાં, તેનો વેપાર વ્યાપક હતો અને બાદમાં આખો વેપાર પડી ભાંગ્યો. પરંતુ આખું હોલેન્ડ માત્ર ટ્યુલિપનો જ વેપાર કરતું હતું અને અનેક લોકો બરબાદ થઈ ગયાં તે અતિશયોક્તિ છે. ટ્યુલિપ મેનિયા વિશે વાંચીને ઘણા સંશોધકોએ નેધરલેન્ડ જઈને રીસર્ચ પણ કરેલાં છે. તેમને ખ્યાલ આવ્યો કે આમાં થોડી અતિશયોક્તિ થઈ છે.
અતિશયોક્તિ થઈ તેનું કારણ પણ રસપ્રદ. નેધરલેન્ડમાં સમૃદ્ધિ આવી હતી અને કલા-સાહિત્ય વિકસ્યા હતાં. કલાકારો અને લેખકો ઘણાં હતાં. ટ્યુલિપ પાછળની ઘેલછા આમ પણ મજાકનું કારણ બની હતી. નવા નવા ધનિક થયેલાં લોકો સુંદર મજાનું ફૂલ અને તેનો છોડ અને તેના બીજ માટે પડાપડી કરે તેની મજાક થતી હતી. તેથી આખરે ખરેખર આ ઘેલછા પાયા વિનાની છે તેવું થયું ત્યારે લેખકોએ વેપારીઓની ભારે મજાક કરી હતી. ટ્યુલિપના ભાવો રાતોરાત ગગડી ગયા પછી ટ્યુલિપ લોકો રસ્તામાં ફેંકી દેતા હતાં. કેટલાક લેખકોએ તેના વિશે કટાક્ષમાં વાર્તા, કવિતા, પુસ્તકો લખ્યાં હતાં. તેમાં એક ફૂલની કિંમત એક હવેલી જેટલી, લોકોએ આત્મહત્યા કરી લીધી તેવી અતિશયોક્તિ કરી હતી. તે પછી દોઢસો વર્ષ સુધીમાં આવા પુસ્તકોના અનુવાદો જર્મનમાં અને જર્મનમાંથી અંગ્રેજીમાં થયાં હતાં. અંગ્રેજીમાં જેમણે અનુવાદ વાંચ્યા તેમણે કટાક્ષની ભાષા સમજી નહીં. વાતને સાચી માનીને તેના આધારે અંગ્રેજીમાં પણ કેટલાકે પુસ્તકો લખ્યાં. એ પુસ્તકો પણ બેસ્ટસેલર થયાં. તેથી પેલી કટાક્ષ કથાઓ હવે સાચી થઈ ગઈ. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ અને સામ્રાજ્યવાદને કારણે અનહદ સમૃદ્ધિ આવી હતી. તેથી નિયમ પ્રમાણે બહુ ઊપર જાય તે ધડામ દઈને નીચે પણ પડે. તે રીતે કેટલાક કિસ્સાઓમાં તેજી આવી અને પછી મંદી આવી. કેટલાક વિશ્લેષકોએ પેલી ટ્યુલિપ મેનિયાની કથા તેમની સાથે જોડી દીધી. ટ્યુલિપની જેમ આ તેજી પણ પડી ભાંગશે એવી સાવધાની માટે ટ્યુલિપ મેનિયાની કથા કહેવાતી રહે છે. કોઈ ગુજરાતી રોકાણકાર બિટકોઈન વિશે સર્ચ કરીને વાંચવાની કોશિશ કરશે તો તેને ટ્યુલિપની કથા મળશે. પણ તેની અસલ કથા આ છે તે પણ યાદ રાખજો. ભવિષ્યમાં બિટકોઈનના સર્ચમાં આ લેખ પણ મળી આવશે ત્યારે ગુજરાતી રોકાણકારનું રીએક્શન કેવું હશે?